કોર્ટ મેરેજ- સંબંધોના કારાવાસમાં
કોર્ટ મેરેજ
...સંબંધોના કારાવાસમાં
બપોરના પોણા બે વાગી રહ્યા હતા. તડકો બરાબર માથે ચઢ્યો હતો. બસ, અરધો કલાક પછી અંતિમ ચુકાદો થઈ જશે. ફક્ત ડિવોર્સ પેપર્સ પર સહી કરવાની બાકી હતી. ચંદ્રકાંત બારોટ આ કેસના એકમાત્ર વકીલ હતા તદઉપરાંત ધીરુભાઈના જૂના અને સારા મિત્ર પણ ખરા. ધીરુભાઈ અને સેજલબેનના ૨૮વર્ષના લગ્ન સંબંધનો આવી રીતે અંત આવશે એવું કોઈએ કલપ્યું નહીં હોય. દીકરી મિષા અને ચંદ્રકાંત સાહેબે ડિવોર્સ અટકાવવાના બહુ પ્રયત્નો કર્યા હતા પણ બે માં થી એકેય સાથે રહેવા માંગતા ન હતા. મિષા અને આકાશ બન્ને ભાઈ-બહેન માટે આ પરિસ્થિતિમાંથી નીકળવું ખૂબ જ અઘરુ હતુ. કોર્ટની બહાર અત્યારે સૌ રાહ જોઈ ઊભા હતા. ૨ વાગે સુનવણી શરૂ થવાની હતી. એક તરફ ધીરુભાઈ એમનો આસિસ્ટન્ટ અને અનિલભાઈ ઊભા હતા. ત્યાંથી થોડે અંતરે પાર્કિંગ બાજુ સેજલબહેન, મિષા, આકાશ અને સેજલબહેનના મોટાભાઇ ઊભા હતા. મિષા છેલ્લી વાર મમ્મી-પપ્પાને સમજાવા ગઈ એ દિવસ યાદ કરી રહી હતી...
"આ ઉમરે આ બધુ શોભે છે તમને? લોકોનો તો વિચાર કરો..." મિષા તેની મમ્મીને કહી રહી હતી. તેણે બોલવાનુ ચાલુ રાખ્યું: "મમ્મી તને થયું છે શું? ક્યાં જઈશ તુ ?? દરરોજ મને અને ભાઈને બોલ્યા કરતી હતી કે 'કયારે ઘરે આવીશ? ... ઘરે પગ જ ટકતો નથી... વહેલા ઘરે આવી જજે !' અને તારે આજે આ ઘર છોડવું છે?" સેજલબેનએ ટીપોઇ પરથી ચાનો કપ લીધો અને રસોડામાં જતા બોલ્યા: "ગમે તે કરી ને જીવી લઇશ પણ મારે હવે આ ઘર માં નથી રહેવું." "એ મરોને એની કરતા મને હેરાન કર્યા વગર...જીવવા દો ને શાંતિથી!" કે'તા મિષા રડી પડી. ધીરુભાઈનો પારો ચઢી ગયો. એમણે રકાબી જમીન પર પછાડી: "તને કોણ શાંતિથી જીવવા નથી દેતું? જેમ મરજી પડે એમ આખી જિંદગી તો કર્યું છે તે, પે'લા આની હારે, બીજા મહિને બીજાની હારે અને ત્રીજા મહિને કોઈક ચોથો... (થોડો સંયમ રાખતા) જેની સાથે તારે જીવવું હતુ એની સાથે સગપણ કરાવી આપ્યું, ધામધુમથી છોકરાના લગ્ન હોય એમ પરણાવી તને, પેલા કરતા વધારે રાખી મેં તને અને તુ તારી માને કે'છે મરી જા... આ બધુ સાંભળવા આટલી મોટી કરી મેં તને?" સેજલબેન આવ્યા, કાચ વીણવા લાગ્યા. આ જોઈ ધીરુભાઈ બોલ્યા:"આ શું કરે છે?"
"કાચ વિણુ છુ, કોઈકને વાગ્શે."
"પણ તને શું ફર્ક પડવાનો આ ઘરમાં કોઈને વાગે કે ન વાગે એનાથી."
"દેખો, મારે તમારી સાથે કોઈ વાદ વિવાદ કરવો નથી. (ભીંત પર લટકેલો ધીરુભાઈના માતાના ફોટા પર સેજલબેનએ મીટ માંડી.) અને હું હજુ આ ઘરની વહુ છું'ને આ ઘરમાં જ્યાં સુધી રહું ત્યાં સુધી સાચવવાનો વાયદો મેં બાને આપ્યો છે."
વાતાવરણમાં શાંતિ પ્રસરી ગઈ. ધીરુભાઈ સ્તબ્ધ થઈ ગયા: "તો પૈણતી વખતે વાદો ન'તો કર્યો હારે રહેવાનો?"
સેજલબેનની આંખો ભીની થઈ ગઈ. કાચ વીણતા એક ટુકડો તેમને હાથમાં વાગ્યો. તેમ છતા બધા ટુકડા વીણી રસોડામાં ચાલ્યા ગયા. ધીરુભાઈ તેમની પાછળ ગયા અને કઈક જાણવાની તત્પરતાથી રસોડા આગળ હાથ આડો રાખી રસ્તો રોકી ઊભા રહ્યા.
"તમે એ સાથને લાયક નથી." કહી સેજલબેનએ તેમનો હાથ હટાવી રસોડામાં જતા રહ્યા.
"હઇ... તારી ની... આખી જિંદગી આમની માટે આટલુ બધુ કર્યું, અને એનું આ ફળ આપ્યું ભગવાને!" ધીરુભાઈનો અવાજ ભારે થઈ ગયો.
પછી સોફા પર જઇ તેમણે બેશી ગયા જાણે બીજા કોઈકના ઘરે બેઠા હોય એમ. સેજલબેન વોશ બેઝીનમાં હાથ ધોઈ બ્હાર આવ્યા: "અને મારી છોકરી વિષે જેવુ તેવું બોલવાનું બંધ કરો." મિષા તેની મમ્મીને વળગી પડી 'ને ક્યાંય સુધી રડતી રહી. ધીરુભાઈ ઘરની બ્હાર ચાલ્યા ગયા.
૨ વાગ્યાનો બેલ વાગ્યો. આખરે એ ઘડી આવી ગઈ. મિષા હજુ પણ સેજલબહેનને સમજાવી રહી હતી. આકાશ એના ફોનમાં વ્યસ્ત હતો. ચંદ્રકાંતસાહેબ કોર્ટમાથી બ્હાર આવ્યા, ધીરુભાઈ પાસે જઈ કઈક વાત કરી. ધીરુભાઈના આસિસ્ટન્ટએ ગાડીમાંથી બ્રીફકેસ નિકાળી. એ પછી ચંદ્રકાન્તસાહેબ સેજલબેન પાસે ગયા: "કેમ છે બેટા?" કહેતા સેજલબેન સાથે હાથ મિલાવ્યો અને એક હાથ તેમના ખભા પર મૂક્યો. "તુ ચિંતા ના કર, તને પુરતુ ભરણપોષણ હું આપવીશ પણ ડિવોર્સ પેપર્સ આવતા હજી મહિનો લાગશે કારણ કે ધીરુ પાસે સ્વૈછીક પત્ર પર સહી કરાવાની બાકી છે." ચંદ્રકાન્તસાહેબ અને સેજલબેન ચાલતા-ચાલતા વાત કરી રહ્યા હતા. બધા કોર્ટમાં અંદર ગયા. આકાશ હજુ પાર્કિંગમાં જ ઊભો હતો. ફોન પર કોઈકની સાથે તે વાત કરી રહ્યો હતો.
ચંદ્રકન્તસાહેબે મેજિસ્ટ્રેટને બધા ડોક્યુમેંટ્સ મુદ્દતવાર બધુ આપ્યું અને સમજાવી પણ દીધું હતુ. મેજિસ્ટ્રેટએ કહ્યું: "તમે શ્યોર છો? હવે, આના માટે? ૩મહિનાનો લાસ્ટ પિરિયડ ગઈ કાલે પૂરો થયો." ધીરુભાઈ મેજિસ્ટ્રેટ સામે એકધારુ જોઈ રહ્યા. ચંદ્રકાંતસાહેબ બોલ્યા: "સાહેબ ડન. હું સહી કરાવી લઉ? મેં ચેક કરી લીધા છે બધા પેપર્સ, તો પણ તમે એકવાર ક્રોસ ચેક કરી લો અને આજે જ તમે એના પર સહી કરી દો એટલે તમે પણ છૂટા, હું પણ છૂટો અને આ લોકો પણ છૂટા થઈ જાય."
મેજિસ્ટ્રેટ બધુ સમજી ગયા: "ઓકે. ગો ઓન!"
સેજલબેન ધીરુભાઈ સામે જોઈ રહ્યા હતા. હજુ પણ ધીરુભાઈ મેજિસ્ટ્રેટ સામે જોઈ રહ્યા હતા. ચંદ્રકાંતસાહેબ ડિવોર્સના પેપર્સ લઈ સેજલબેન પાસે ગયા: "સેજલ અહીં સહી કર." સેજલબેન હજુ ધીરુભાઈ સામે જોઈ રહ્યા હતા. ચંદ્રકાંતસાહેબે સેજલબેનનો ખભો હલાવી કહ્યું: "બેટા સહી કર અહીંયા." સેજલબેનએ ચંદ્રકાંતસાહેબનો હાથ પકડી રાખ્યો હતો. તે છોડી એમણે સહી કરી. "મારે લગ્ન કરવા છે !!!" આકાશ અંદર આવતા બોલ્યો.
"ઊભો થા... જો ૮ વાગ્યા... તારી એન્જલનો ફોન આવે છે." કહેતા સેજલબહેનએ ચાદર ખેંચી. આકાશના કપાળે હાથ ફેરવ્યો. બ્હાર મિષા અને ધીરુભાઈ બ્રેકફાસ્ટ કરી રહ્યા હતા. "પપ્પા તમે ગ્રે કલરની વોચ પહરવાની રાખો, એ વધારે શ્યુટ થશે તમને." મિષા તેના પપ્પા સાથે વાત કરી રહી હતી. સેજલબેન રસોડામાંથી બ્હાર આવતા આકાશને બૂમ લગાવતા કહ્યું: "ચલ ઊભો થા, ફટાફટ આજે સાંજે તારે મારી સાથે આવવાનું છે." સેજલબેન મિષાની બાજુમાં બેશ્યા.
આકાશ ઉઠ્યો. બ્હાર આવ્યો. ધીરુભાઈની પાસે બેશ્યો. "વોસ્સ અપ માય ચેમ્પ?" કે'તા ધીરુભાઈએ વાત શરૂ કરી. દરમિયાન મિષા અને સેજલબેન એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. આકાશનું ધ્યાન ફોનમાં અને બધાની વાતમાં પણ હતુ. મિષાને તેની ફ્રેંડનો કોલ આવ્યો તે વાત કરવા બ્હાર ગઈ. કોલ પતાવી પાછી આવી અને બોલી: "અરે મમ્મી અલ્પાએ કોર્ટ મેરેજ કરી લીધા! કેન યુ ઈમેજિન?" આકાશ અચાનક સ્તબ્ધ થઈ ગયો. "એનો ભાઈ છેલ્લે સુધી ન માન્યો, કરી લીધાને લગ્ન, હવે..." સેજલબેન ધ્યાનથી સાંભળી રહ્યા હતા. "એની ફેમિલી વાળા એને એકસેપ્ટ કરશે કે નહીં? હું તો એ વિચારું છું." મિષા આગળ બોલતી રહી. સેજલબેન સાંભળતા રહ્યા.
કોર્ટ મેરેજનું નામ સાંભળતા આકાશ ચોંકી ઉઠ્યો. તેની ગર્લફ્રેંડ એંજલના લાસ્ટ મેસેજમાં તેણે કહ્યું હતું કે "આકાશ આપણી પાસે ઓન્લી ઓપ્સન કોર્ટ મેરેજનો છે..." તે બે ઘડી ફોનની સ્ક્રીનમાં જોઈ રહ્યો અને ઊંડા વિચારમાં ખોવાઈ ગયો. મિષાની વાત સાંભળવામાં રસ તો હતો એને પરંતુ એ સમયે નાહવા જવું તેને વધારે યોગ્ય લાગ્યું. તે અરીસા આગળ ઊભો રહ્યો અને પોતાની જાતને પૂછ્યું: "court marriage is the one last option કે બધાની સહમતિ હોવી જોઈએ???"
શુ કહેવુ તમારું ?
-કીર્તિદેવ

Comments
Post a Comment